Tuesday, January 24, 2012

ગધનો સુરજ


ધોમ ધખે ન્યા ગઢનો સુરજ
હજી આયાં ઉગેના ગધનો સુરજ .

તાકીદે જોયે સે વસ્તી હાટુ,
હોય કોઈ કને જો વધનો સુરજ.

છે આંખે ત્રેવડ સમાવવાની,
લાવો લાવો મોટા કદનો સુરજ.

અંચઈ કોઈની હવે નહિ ચાલે,
મને જોઇશે બરોબરનો સુરજ.

અજવાળા ને અંધારાથી પર,
વસે ક્યાંક અનહદનો સુરજ.

-મેહુલ મકવાણા, અમદાવાદ, ૨૪ / ૦૧ / ૨૦૧૨

Monday, January 9, 2012

શુદ્ધ શું ? ને શું અશુદ્ધ ?


ભીતર મારી ચાલે યુદ્ધ,
શુદ્ધ શું ? ને શું અશુદ્ધ ?

મર્મ જીવનનો જાણે એ,
બાળક થઈ મ્હાલે વૃદ્ધ.

એ જ સર્જક,એ સંવર્ધક,
ભાગ જે તું ગણે ગુપ્ત.

સરસ્વતી ને સિંધુ જેમ,
ઓ ઇચ્છા, થા ને લુપ્ત.

યાદો જાણે લોકવાયકા,
રોજ ખસે છે ટુક બે ટુક.

બોલ્યો ફક્ત જાત મારી,
આખી સભા શાને ચૂપ ?

ઘરથી નીકળ,બહાર જો,
થયો સિદ્ધાર્થ જ્ઞાને બુદ્ધ.

મેહુલ મકવાણા, ૭ / ૧ / ૨૦૧૨ , અમદાવાદ

Tuesday, January 3, 2012

જોને


જો અંધારું અકળ, જોને,
અજવાળાનું છળ, જોને.

ચડે નિસાસા કલાડીએ,
ચૂલે આંસુ ભડભડ, જોને.

હથિયાર પછી જો હાથનું,
છે આંખ કેટલી કટ્ટર, જોને.

આમ નીચી મુંડી શું કરે તું ?
લટકે લાશ અદ્ધર, જોને.

સફફઈ વિકાસની ઠોકવા,
ખંડાઈ કોની પત્તર, જોને.

ટેરવા સ્તબ્ધ થયા ટકોરે,
જા તેઈડમાંથી અંદર, જોને.

જોયા ઘડીભર સુખ જગના,
આ એનું દર્દ નિરંતર, જોને.

મેહુલ મકવાણા, ૩૧ / ૧૨ / ૨૦૧૧, અમદાવાદ

Friday, December 23, 2011

આવે નહિ કોઈ જયારે ખુદના કહ્યામાં

જેમ જીવવું ગમે ન મને ચોકઠામાં,
એમ લખી શકું ન હું ગા લ ગા મા.

નથી કંઈ બીજાનું, નથી કોઈ બીજા,
આખી દુનિયા ગણું મારા સગામાં.

હો આચરણ ફક્ત નેહ નઈ લગીર,
એવા શું કરવાના વહેવાર નકામા ?

પરિણામ સામે તું કોશિશ પણ જોજે,
ખુશ હું પણ નહોતો મારી દશામાં.

ફક્ત આજ પુરતો ખાનાબદોશ છુ,
ઘરે નહિ જવાય આજે છુ નશામાં.

ઝૂલે હિંડોળા ખાટ ઈશ્વર સજી વાઘા,
ને અર્ધું જગત ઝૂરે ફક્ત થીગડાંમાં

ઉન્નતી કાં પતનની નિશાની ગણો,
આવે નહિ કોઈ જયારે ખુદના કહ્યામાં.

મેહુલ મકવાણા, ૧૨ / ૧૨ / ૨૦૧૧ , અમદાવાદ

Tuesday, December 20, 2011

वो सामने आए

जिनके जेहन में आग हो, वो सामने आए !
या फिर दिल में सुराग हो, वो सामने आए !

इस घडी मै सारी काइनात दे सकता हु उन्हें,
पास में इंसानी कागजाद हो, वो सामने आए !

इस बस्ती के अंधेरो से सूरज भीड़ न पायेगा,
जिनकी नजरे आफ़ताब हो, वो सामने आए !

शरीक ए जश्ने ए नाकामी भी जिगर की बात है,
जो भी बेदाग कामियाब हो, वो सामने आए !

कोने की कानाफूसी जैसी अब लड़ाई न होगी,
जिनका बुलंद इन्कलाब हो, वो सामने आए !

- मेहुल मकवाना, १९ / १२ / २०११, अहमदाबाद

Monday, December 12, 2011

એક મેટ્રો પ્રકારની ગઝલ


લ્યો આજ ગઝલમાં ઈશ્ક લખું,
હું લઈને થોડુંક રિસ્ક લખું.

કહો દિલજી ક્યાં શું ઉધારું?
લાગણીની કેટલી ફિકસ લખું?

રાખું નામ હું બખડજંતર,
અટકમાં ખાલી ' મિક્સ' લખું.

આર્ટ ઓફ લીવીંગ છે ગિવિંગ,
આથી વધુ કઈ ટીપ્સ લખું ?

મેહુલ મકવાણા, ૧૦ / ૧૨ / ૨૦૧૧

Saturday, December 10, 2011

હજીયે


એમ નવી કવિતા લખાય છે,
જેમ મજૂરનો દા'ડો ભરાય છે.

વસ્ત્ર હોય છે મૂળે નજર મહી,
લૂગડાથી કશું ક્યાં ઢંકાય છે.

એક પણ માણસ આ શહેરમાં,
જીવતો નથી, સંડોવાય છે.

અમીરોના સંગ્રહિત પરસેવે,
જો,લોહી ગરીબનું ગંધાય છે.

હજી પીવાતા આંખના પાણી,
હજુ માયાની વાવ ગળાય છે.

- મેહુલ મકવાણા, ૯/ ૧૨/ ૨૦૧૧, અમદાવાદ