Saturday, January 16, 2016

એ ગીત...

તારા ઘરની બારીમાંથી સુરજ ઉગશે ને ત્યારે 
સાવરણાને ફૂટશે પાંખો
લીંપેલા આંગણ પર બાઝેલા ઝાકળબિંદુઓ બની જશે બાજરો
ને પછી બધાય વાસમાંથી ઊડી આવશે પારેવડાઓ ચણવા
ચણતાં ચણતાં એ ગાવા માંડશે ગીત
ને એ ગીતમાં નહીં હોય રાજા-રાણીની વાતો
ગીતમાં નહીં હોય કુંવરીનાં રૃપની સ્તૃતિ કે કુંવરનું રાજતિલક
ગીતમાં નહીં હોય જોદ્ધાઓને ઘણી ખમ્માઓ
સાળની જેમ ખટ્ટાક ખટ્ટ લયમાં ગવાતું
સામેના શેઢાનાં સાદની જેમ ઝીલાતું
કુંડમાં બોળેલા ચામડા જેવું મુલાયમ હશે એ ગીત.
એ માનવમુક્તિનું મહાકાવ્ય રચાશે  તારા આંગણામાં જ તારી નજર સામે.
જેમાં થતો હશે સમતા અને સમત્વનો જયઘોષ
એયને દેવચકલી ને દેવકાગડો, 
પેલી કાળી કોયલ ને ધોળોધફ બગલો
લવબર્ડ અને જબ્બર બાજ
બધા એકસામટા ગીત ગાતા ઊડવા માંડશે ચારેકોર.
એ ગીત આપણને જોઈએ છે દોસ્ત
જળ-પવન ને આગની જેમ
કાં ચક્કરની શોધની જેમ
અનિવાર્ય છે એ ગીતનું હોવું.
પણ એને માટે હોવું જોઈશે એક ઘર
સુરજ ઉગી શકે એવી એક ઝીણકી શી બારી વાળુ
ને હોવા જોઈશે ઉડીને તારે આંગણે આવી શકે એવાં મુકત પારેવાંઓ પણ.

- મેહુલ મંગુબહેન, 16 જાન્યુઆરી 2016, અમદાવાદ

Saturday, January 9, 2016

રેશનકાર્ડનું એક નામ

એક લસરકે સાવ ગરબડિયા અક્ષરમાં કોતરાયેલું રેશનકાર્ડનું એક નામ છું હું 
જેના આધારે મળી શકે છે સસ્તુ અનાજ બે-ચાર કિલો વધારે
તહેવાર ટાણે બસો-પાનસો ગ્રામ મોરસ 
અને પામોલીન તેલ પામી શકાય છે એના પર
મને નથી ખબર તમે મારા વિશે શું શું ધારો છો પણ
કદીક ખેંચ પડે તો તમે મને ઉંચકીનેે લઈ જઈ શકો છો પંડિત દીનદયાળની દુકાનમાં
અલબત્ત, એ મારા નામે તમને ઉધાર નહીં આપે કશું
પણ તોય રેશનકાર્ડમાં નામ હોવુ એ કંઈ નાની વાત થોડી છે?
એ નામ છે તો છે ચૂલો ને છે પ્રાયમસમાં ઘાસતેલ
એ નામ છે તો છે હાંડલાઓને હવાપાણીનો જલસો
એ નામ છે તો છે શાખ અડોસપડોસમાં મારી
કેમકે એને હું આપી શકું છું બાજુવાળાને ઉપકારની જેમ.
તમારા પાસપોર્ટ પર ભલે શોભે અખિલ વિશ્વના દેશોનાં એરપોર્ટ ઠપ્પા
મારે તો રેશનકાર્ડ પર દર મહિને વાદળી લીટા પડે એ જ વિશ્વપ્રવાસ.
ને લીટો ના પડેને એટલે મગજ પહોંચી જાય લખોટે
કારણ વગર નીકળી જાય બે-ચાર ગાળો
હાંડલાઓની હવા નીકળી જાય 
પીને પડયો હોય એમ લાંબો થઈ જાય ચૂલો ઓસરીમાં.
ફળિયું અક્ષરોનાં શિંગડા પહેરીને હસવા માંડે એકસામટુ
ના ના મારા પર નહીં, મારા ખાલી ખિસ્સા પર
ના ના ખાલી ખિસ્સા પર પણ નહીં 
એ હસતું હોય છે રેશનકાર્ડ પર લખેલાં મારા નામ પર.
પણ તોય રેશનકાર્ડમાં નામ હોવું એ કંઈ નાની વાત થોડી છે 
નામ હોય તો હસેય ખરા લોકો... 
મને ખબર નથી તમે મારા વિશે શું ધારતા હશો પણ....હું તો...

- મેહુલ મંગુબહેન, 9 જાન્યુઆરી 2015, અમદાવાદ