Wednesday, November 30, 2011

મારા વ્હાલુડા રાજાનેઓ મારા વ્હાલુડા રાજા,
તારી જાહેરાત મેં વાંચી છે
ને મોટા પાટિયા પણ જોયા છે
પણ માફ કરજે મને
તારા ઉપવાસમાં ભાગીદાર નહી થઇ શકું !

અગાઉ ઘણા દી મેં ભૂખ્યા કાઢ્યા છે
ને જાણું છુ કે એવા બીજા ય ઘણા કાઢવાના છે
ને તારી સાથે ઉપવાસ એ તો પુન સાથે,
ભવિષ માટે ધાન બચાવવાની લ્હાવો પણ છે
પણ માફ કરજે વ્હાલુડા રાજા,
મારી બાર કલાકની પાળી છે,
મશીન સાથે બાથા ભરવાના છે,
ખેતરાવ ચોક્ખા કરવાના છે,
જંગલના ઝાડવા ખોતરવાના છે,
નવમે માળે રોડા પાથરવાના છે,
જે મલે એ ખાવું પડશે
ભૂખ્યું નઈ રેવાય ભૈશાબ !
દહાડો નઈ પડાય ભૈશાબ

આ સદભાવ તો ઠીક મારા ભે,
હશે તો વર્તાશે
ને આવશે તો પરખાશે,
પણ તું ભૂખ્યો રેવાનો છે
એમાં જે બે ચાર રોટલા બચે તે મોકલજે !
ના ના...મારે હાટુ નહી !
હું તો હજુ ખડે ધડે છુ,
લાત મારીને ય લણી લઉં છુ,
પણ બીજા ઘણાય ઘરમાં ચૂલો નથી એમને માટે !
બાજુવાળા નાથી ડોશીથી હવે ચલાતું નથી એને માટે,
ગયા વરહ લટ્ઠામાં જે લટકી ગયો એ ભીખલાના છોકરાવ માટે,
ડેમમાં ચણાઈ ગયીતી એ રમ્લીના ગાંડા બાપા માટે,
ગામ બાર મેલાયેલા સવશી ડુંગરના કુટુંબ માટે..

ઝાઝી તકલીપ ના લેતો વ્હાલુડા રાજા,
કટકો-બચકો જે બચે એ મોકલજે,
પાકું સરનામું તો નથી કોઈનું
પણ કહટી વેઠીને શોધી લેજે જરાક..
બીજું કંઈ ખાસ નઈ આટલું જ કારણ છે
બાકી તારી જાહેરાત મેં વાંચી છે
ને મોટા પાટિયા પણ જોયા છે
પણ માફ કરજે મને.
તારા ઉપવાસમાં ભાગીદાર નહી થઇ શકું !

-મેહુલ મકવાણા, ૩૦ નવેમ્બર ૨૦૧૧

Thursday, November 24, 2011

નારો થવા ન દેજે

ભજ રામ કે રહીમ,ઘટમાં અંતર નિરંતર રાખજે,
છે અનુભૂતિ સબબ જે, એને નારો થવા ન દેજે.

જરૂરી નથી કે કલા જ હો, લપેડા પણ લેખે છે ,
ભરજે રક્તરંગ, સમયને કાળો થવા ન દેજે

આંખ ભલે હો બે પણ બબ્બે નજર ન રાખજે ,
નાત, જાત, કોમના નોખા વિસ્તારો થવા ન દેજે .

આમ તો બનતું નથી તોય લે આ માંગ્યું ઈશ્વર,
દુનિયામાં કોઈ ઇન્સાનને બિચારો થવા ન દેજે.

-મેહુલ મકવાણા, ૨૧/૧૧/૨૦૧૧

Tuesday, November 22, 2011

કવિ છે એ

જોજો સાદો માણસ સમજવાની ભૂલ ન કરતા,
કવિ છે એ.
ભર બપ્પોરે રાત કાળી ધારી શકે છે,
કરફ્યુમાં પણ બાગે મ્હાલી શકે છે,
મામા-માસા કે કાકા-બાપા તો શું ?
માણસ જાતનો ય સંબંધ ટાળી શકે છે.

કવિ છે એ સર્વગુણ સંપન્ન,
જુવો આંખના કુંડાળા ચાડી ખાય એનું દર્શન.
સાવ સાદો માણસ સમજવાની ભૂલ જરી ન કરતા,

એ રંગો માં રહે છે ને ફૂલોમાં મ્હેકે છે,
મોડી રાત લાગી શરાબમાં બ્હેકે છે,
ફાફડા-જલેબી કે વેઢમી વહેવારથી ખુશ છે,
બાકી જગત આખું એની આગળ તુચ્છ છે.
એની શાંતિની વ્યાખ્યા ઘરના ઉંબર સુધી જ જાય છે,
દુનિયા ભલે હો રોતી કકળતી એ પ્રેમ લખ્યે જાય છે,

એને મહેમાન પદુ ભાવે છે,
રોજ એવોર્ડ નવા મંગાવે છે,
સંગ્રહની ઉપ્પર સરકારી અત્તર એ છંટાવે છે,
બાપા-ભૈશાબ કરીને રૂડી પ્રસ્તાવના પણ લખાવે છે.
હો કીટલી, ફેસબુક કે ટ્વીટર કાળો કેર વર્તાવે છે.

સાચું કે એને લય-પ્રાસની જરી લ્હાય છે,
પણ ભાવના ભાવ શું ઉપજે ?
એમાં જ તો વાહ વાહ થાય છે.
ગા લ ગા એના ગાલે છે,
સુરજનું તેજ એના ભાલે છે.
સાદો માણસ નહિ કવિ છે એ,
ઘણી વિશિષ્ટ યોગ્યતાઓ ધરાવે છે.

દા.ત.
ફક્ત ડોળા કાઢી ગરોળીને નીચે પાડી શકે છે,
ચીતરી ચઢે એવા વંદાને પણ એ પાળી શકે છે,
વિવેચનના નામે વેઠ કુશળતાથી વાળી શકે છે,
લોહીનું એક ટીપું પડે નહિ એટલી સહજતાથી એ
નાકના ટેરવે બેઠેલી હઠીલી માખ મારી શકે છે.
સાવ સાદો માણસ સમજવાની ભૂલ ન કરતા ભાઈ !
કવિ છે એ.

- by Ashish Vashi and Mehul Makwana