Thursday, February 25, 2021

આંખને સજા કરો

દૃશ્યો જુએ છે એ ખરાબ- આંખને સજા કરો,

પાછી ગણાવે એને ખ્વાબ- આંખને સજા કરો!


મહુડો મેં રેડ્યો તાંસળીમાં પહેલી ધારનો છતાં,

પીવે છે એ ગણીને રાબ- આંખને સજા કરો!


સુરમો લગાવતો રહું છું રોજ મારી જાતે તોય,

કીકીમાં એણે પાડ્યો ડાઘ- આંખને સજા કરો!


સસલામાં જોવે વાઘ, કાકિડો ગણે એ વાઘને,

શ્રાવણમાં ડોબી ખેલે ફાગ- આંખને સજા કરો!


પાંપણનો રવ ન પારખે એ એટલી બહેરી થઈ,

ગાયા કરે છે એક રાગ- આંખને સજા કરો!

- મેહુલ મંગુબહેન, 22 ફેબ્રુઆરી 2021, નવી દિલ્હી

છંદોલયઃ ગાગા લગા લગાલ ગાલ ગાલગા લગા લગા

ખાસ નોંધ : આ ગઝલને છંદબદ્ધ કરવાનો સઘળો શ્રેય કવિ શ્રી પંચમ શુકલને જાય છે. મને ન તો છંદ આવડે છે અને ન તો એમાં લખવામાં રસ પડે છે. 

Tuesday, January 19, 2021

શહેરનું ઝાડ

એકલવાયું ઝાડ જોઈને મને સાંકળે બાંધેલ હબસી યાદ આવે છે

કાં પછી ગામબહાર મૂકી દેવાયેલો દલિત કે

પંચમહાલ, ડાંગ કે દંતેવાડાથી શહેરમાં આવી ઇંટો ઉચંકી રહેલો મજૂર.

શહેરમાં લોખંડની જાળીમાં કેદ પ્રત્યેક ઝાડ મને

માણસના દંભના ચાકર સમું ભાસે છે.

નથી એની કને વેલ-વનરાઈ

નથી બેસતું મધ કે નથી ચઢતી ઊધઈ

સૂકા પાંદડા પર દોડી જતી ખિસકોલીનો અવાજ નથી થતો નસીબ.

ડામરની સડક બની જાય ઝરણ કે

પોતાના જ કોઈ પૂર્વજના પાંદડાં ઢસડાઈને વળગી પડે મૂળને એવું શક્ય જ નથી.

મને દયા આવે છે શહેરના ઝાડ પર

થાય છે કે કાશ આ ચકલાં-કબૂતરાંની ચાંચમાં હોત તાકાત

એ ઉડાવી લઈ જાત આખેઆખું ઝાડ

અને મૂકી દેત એને જંગલમાં પાછું

તો એની આસપાસ હોત એના સમું કોઈ.

જ્યાં એ પારેવડાં સુઈ ગયે

રાત પડ્યે કરત અલકમલકની વાત

જ્યાં ઉગતો અને આથમતો આખેઆખો સૂર્ય એનો પોતાનો હોત, કોઈ બિલ્ડિંગનો નહીં

જ્યાં ઝાડ હોવાનો અર્થ ફક્ત ઝાડ હોવું હોત

ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન નહીં.

શિસ્તબદ્ધ સૈનિકોની કતાર જેમ સડકને કિનારે હારબંધ ઊભેલાં ઝાડનો અર્થ જો પર્યાવરણ હોય તો માનવ સભ્યતાનો અર્થ ગુલામી છે

-     મેહુલ મંગુબહેન, 19 જાન્યુઆરી 2021, દિલ્હી