Friday, August 22, 2014

ટાંગા ભાગી જશે

આંગળી ચીંધીશ તો ટાંગાં ભાંગી જશે, 
લખીશ, બોલીશ તો ટાંગાં ભાંગી જશે. 

તું શું જાણે લ્યા ઈતિહાસ ને સંસ્કૃતિ ?
ચું કે ચાં કરીશ તો ટાંગાં ભાંગી જશે.

કટકે કટકે કાપશે તને જ તારી સામે,
ને સહેજે રડીશ તો ટાંગાં ભાંગી જશે.

ગૌરવની ચોટલી વાળી જીવ સાલા,
મુંવાળો તોડીશ તો ટાંગાં ભાંગી જશે.

તું કેવળ અશ્વમેધનો અશ્વ છે અહીં તો,
જરીકે હણહણીશ તો ટાંગાં ભાંગી જશે.

અંધારું તસુભાર ખસ્યું તો ખેર નથી,
હવે દીવો કરીશ તો ટાંગાં ભાંગી જશે.  

મેહુલ મંગુબહેન, 21 ઓગસ્ટ 2014

No comments :

Post a Comment