Friday, November 27, 2015

હું સુગંધનો વેપારી છું સાહેબજી

હું સુગંધનો વેપારી છું સાહેબજી
મારી ખુશ્બુઓનો જો઼ટો જડવો મુશ્કેલ છે
આવી ખુશ્બો નહીં મળે તમને મોલમાં
આવી ખુશ્બો નહીં મળે ઓન એર શોપિંગમાં
આ લો સાહેબ
આ છે ખાસ તમારા માટે 
મોડી રાતે ટ્રાફિક આથમ્યે 
મોહમયી મુંબઈ નગરીમાં 
સાફ થતી સડક ત્યારે
સાવરણાનાં ડંડા પર બાઝેલા પ્રથમ પ્રસ્વેદબિંદુની મહેંક છે આ સ્વેટ સ્પ્રેમાં.
હું સુગંધનો વેપારી છું સાહેબજી
પેઢી દર પેઢીનો નાતો છે અમારે ખુશ્બો સાથે
ખોટો સોદો નહીં કરું 
મુંબઈના ભાવે આ નાનકડા અમદાવાદમાં કયાંથી મળશે આવી મહેંક સાહેબજી? લઈ લો ઝટ. 
ના ગમે તો આ જુઓ સાહેબજી, 
હાથે સહેજ લગાડીને નાણી જુઓ ખુશ્બુ એની
મોડી રાતે સી.જી. રોડ પર 
એક મઘમઘતા ગ્રહનું ગોળ ઢાંકણ ખોલી
એની અંદર ઊતરી બે નામવગરના સુગંધયાત્રીઓએ
જીવ આપીને શ્વાસમાં ભરી લીધેલો આ ડ્રેનેજ સ્પ્રે છે સાહેબજી.
જુઓ તો ખરા, હું સુગંધનો વેપારી છું સાહેબજી ખોટુ નહીં બોલુ. 
આય પસંદ ના આવે તો 
તમ સરખા એનઆરઆઈ માટે
તમ સરખા એનઆરજી માટે 
બીજી એકસલુઝિવ બ્રાંડ પણ છે સાહેબજી
એની કિમત બે-ચાર પાઉન્ડ છે સાહેબજી
તમારા સ્કોચ જેટલી જ બ્રાઈટ
તમારી ટાઈ જેવી જ ટાઈટ
પ્લેબોય ને રોમાન્સ બાય રાલ્ફ લોરેનને ટકકર મારે એવી ખુશ્બુ
એમાં પીંખી નંખાયેલી બાળાના ઉઝરડાંઓથી ટપકેલાં રકતબિદુંનો અર્ક છે સાહેબજી
ને એ પણ પાછો વિવિધ વયના એવાં માપસરના ઉઝરડાંઓ સાથે ફિલ્ટર કરેલો.
આવી મહેંક તમને કયાંય નહીં મળે સાહેબજી
બોલો સાહેબ શું આપું ?
મુંબઈ બ્રાંન્ડ સ્વેટ સ્પ્રે ?
સ્પેશિયલ અમદાવાદી ડ્રેનેજ ડિલક્સ ?
કે રેર વર્જિન રેડ રિગલ સ્પ્રે સાહેબજી?
હું સુગંધનો વેપારી છું સાહેબજી.

- મેહુલ મંગુબહેન, 24 નવેમ્બર, 2015, અમદાવાદ 

1 comment :