Monday, March 21, 2016

વાડો

હું શોધવા નીકળ્યો કવિતા..
લોથલથી લઈને આ રીવરફ્રન્ટ સુધી..
અમદાવાદની ગલીઓમાં , 
મુંબઈના પરામાં ને ડાયોસ્પરામાં 
ગાંઠે બાંધી શકાય એવી કવિતાઓ શોધવા નીકળ્યો.
દ્રોણના વંશજોએ એકલવ્ય પર લખેલી કવિતા
કે કૌરવકુલના કવીએ દ્રૌપદીના ચીરહરણ પર લખેલી કવિતા,
જુહાપુરાના મીયાભઈએ ગોધરાની ગાડીમાં બળેલા ૫૯ લોકો પર લખેલી કવિતા
કે પછી બાબુ બજરંગીના ફળીયામાંથી કોઈએ ગુલબર્ગકાંડ પર લખેલી કવિતા..

હું શોધવા નીકળ્યોતો ગટરમાં ગૂંગળાઈ મરેલી જિંદગીનું સોનેટ,
પણ મઘમઘતી ખુશ્બુઓ મળી..
હું શોધવા નીકળ્યોતો બળાત્કારનો ભોગ બનેલી છોકરીનું ગીત,
પણ મળ્યા ગુપ્તભાગે ગલગલીયા  
હું શોધવા નીકળ્યોતો નારોલથી સરખેજ દૌડતી શટલ રીક્ષાની મસ્તીનું અછાંદસ,
પણ મળ્યો પોલીસનો હપ્તો.ને સુગ.
હું શોધવા નીકળ્યોતો ડાંગી આદિવાસીના કુદરતી ધરમના આખ્યાનો,
પણ મને મળી ફક્ત ભેળસેળ..ને બુત્ઠું જંગલ.
હું શોધવા નીકળ્યોતો આ રંગીન શહેરના કાળા સન્નાટાની ગઝલ,
ટૂંટિયું વાળતા પણ હજી નથી આવડ્યું એવા
ભૂખ્યા, નાગા બચ્ચાઓ ઘડીક માટે હસી પડે એવા બે-ચાર જોડકણા
શોધવા નીકળ્યોતો હું.
પણ મળ્યા ફક્ત ટ્વિન્કલ ટ્વિન્કલ બાળગીતો..
કે પછી વાહ વાહ લુંટતા લાળગીતો..
રાયપુરના ભજીયા કે બૈરાના સમોસાનો ય સ્વાદ ના મળ્યો એકેય કવિતામાં,
મળ્યા ફક્ત વાટકી વહેવારો.

દરિયાના ગીતો મળ્યા અનેક પણ ખારવાના જીવતરની ખારાશ ના મળી,
કવિતામાં ઝરણાઓ મળ્યા હજાર પણ લોહીની વહેતી નદીઓ ના મળી,
અમુક અપવાદોને બાદ કરતા લગભગ કશું જ ના મળ્યું..
હવે અહી આ રાજના બારે મેઘ ખાંગા હોય,
ઘેર ઘેર છત ટપકતી હોય,
ઝુપડે ઢંકાયેલી તાડપત્રીઓ પણ કહોવાઈ ગઈ હોય, 
એક આંખને બીજી આંખ સાથે વેર હોય,
ગુપ્તાંગ સહીત અંગેઅંગમાં ઝેર હોય.. 
હોય અર્ધી દુનિયા ભૂખી, તરસી, નાગી,
બાકીની અર્ધીને લીલાલહેર હોય..
ત્યાં આ અપવાદોની થાગડથીગડનું શું ગજું ?

જેમ જેમ શોધતો ગયો એમ એમ મળતું ગયું મને કૈક નવું જ..
મળતા ગયા મને રોજ રોજ નવા નવા વાડા..

મોટો વાડો મોટા કવિઓનો,
નાનો વાડો નાના કવિઓનો,
ગજા પ્રમાણે સહુ એ કરેલા,
ભાત ભાતના વાડે-વાડા..
શુદ્ર કવિઓનો શુદ્ર વાડો,
વૈશ્ય કવિઓનો વૈશ્ય વાડો
ક્ષત્રીય કવિઓનો ક્ષત્રીય વાડો
બ્રાહમણ કવિઓનો બ્રાહ્મણવાડો.
આ વાડાઓની અંદર પણ પાછા બીજા નાના નાના વાડા.
ભૂલભૂલામણી તો એવી કે સાલા રસ્તા આવે આડા 
મુંબઈના કવિઓનો વાડો
અમદાવાદના કવિઓનો વાડો,
રાજકોટના કવિઓનો વાડો,
સુરતી કવિઓનો વાડો.
ફેસબુકની લાઈકના વાડા,
ટ્વીટરની કોમેન્ટના વાડા.
વાડો ગામડિયા કવિઓનો,
વાડો અર્બનીયા કવિઓનો,
મુખ્યમંત્રી સહીત અમલદાર કવિઓનો સરકારી વાડો,
ફક્ત લખી શકતા મારા જેવા બિનસરકારી કવિઓનો વાડો..
ભેણ....
જોઈ શકે છે બધુયે સમય નથી બાંડો
આ તે કેવી કવિતા ? આ કેવો નિભાડો ?

- મેહુલ મંગુબહેન, ૨૫-૧૧-૨૦૧૩, અમદાવાદ

1 comment :