Friday, September 16, 2011

ઉપહાસ


મારું બેટું જબરું કેવાય નઈ ?
કેવું પડે બાકી !
પેલા ઘા પર ઘા કરવાના,
પછી તલવાર મ્યાન નહિ કરવાની પાછી,
તલવારને રાજના ટોડલે શો કેસ માં મુકવાની,
તલવારની ગૌરવ યાત્રા કાઢવાની,
વધેરેલા સહુ માથાઓનું રાજતોરણ કરવાનું,
આક્રંદ કે ચચરાટને આંખ કે કાને નહિ ધરવાનો,
ઘાવમાં નઈ જાતે મલમ ભરવાનો કે ના કોઈ ને ભરવા દેવાનો,
એટલું જ નહિ રાજમાં ઘાવ ખોતરવાનું અલગ ખાતું શરુ કરવાનું,
કારભારીઓને ઘાવ ખોતરવાના કામે લગાવી ને મેડીએ મલકાવાનું,
ઘાવની ચારેકોર રૂડીરૂપાળી રંગોળી પુરવાની,
ઘાવને કવરમાં બીડીને મોકલવાના પ્રેસમાં,
રોજે રોજ જનમતા તુચ્છ જીવોને જાણ રહે કે ઘાવ શું છે એ સાટું,
એના પરથી લોહી ભૂંસાય નહિ તેની સતત કાળજી રાખવાની.
રોજેરોજ જનમતા અનુયાયીને ભાસ રહે કે સુરક્ષિત છીએ તે સાટું,
એને વારે તહેવારે ફરી ફરી જગજાહેર કરવાની.
ને સમયના વહેણમાં જો તલવાર પરનું લોહી ભુસાતું માલુમ પડે,
કે પછી એકેય ઘાવમાં જરીકે રૂઝ દેખાય તો,
આંખના પલકારે સમગ્ર વેશ બદલવાનો,
વિકાસ , શાંતિ, સદભાવના એવા પૌરાણિક મંત્રોનો નાદ કરવાનો !
ને એય ઘરના ખૂણે નહિ ?
દેશ પરદેશમાં જેની નોંધ લેવાય એમ રાજના ચોકમાં કરવાનો,
નીતિ, ન્યાય, ધરમ ને સંસ્કૃતિ સઘળું હડસેલી,
ઘવાયેલી અને ઘસાયેલી પ્રજાની છાતી પર ચડી,
કપાળે શોર્ય તિલક કરી મલકતાં મોએ ઉપહાસ કરવાનો...
સોરી ઉપવાસ કરવાનો.
મારું બેટું જબરું કેવાય નઈ ?
કેવું પડે બાકી !
- મેહુલ મકવાણા,
૧૫ સપ્ટેમ્બર ૨૦૧૧

1 comment :

  1. કવિને સરસ 'કવિન્યાય' આપ્યો છે.

    ReplyDelete