Wednesday, July 18, 2012

ફૂટપાથની વરસાદી કવિતા



લ્હાય લ્હાય ભીતરમાં લાગી તો હોય પણ ભીંજ્યાંનું સુખ કેમ લેવું ?
આ પેલ્લા વરસાદ પહેલાની ચિંતા કે ફૂટપાથે કોરા કેમ રેવું ?

કાગડો થઇ ગયેલી છત્રીઓ બધીયે ઝાડવે કરીને બેઠી માળો,
હું પેઢીઓની પેઢીઓ ગોત્યા કરું પણ ક્યાંય ઘરનો મળે નહિ તાળો,
લોક આખું ય બેઠું હોય એના ભરોસે ત્યાં એને ખમ્મા એ કેમ કરી કેવું ?
ફૂટપાથે કોરા કેમ રેવું ?

આ ટેસનની છાપરીથી ન ઝીંક ઝીલાય, બેડા ભરી ભરીને પડે છાંટા,
આમથી તેમ ટાંટિયા ઘસ્યા કરું તોય સાલા હુંફને ચડે નહિ આંટા,
ઝબકતી વીજળી ને ગડગડની ફડકે કોરું લૂગડું ય ક્યાંથી ચોરી લેવું ?
ફૂટપાથે કોરા કેમ રેવું ?

આમ આભમાં દરિયા ઉછળતા હોય ત્યાં આંખોમાં પાણી કોણ દેખે ?
હેલે ચડે લોક આખુયે એવું કે મોઢે ટાયરની છાલકો ફેંકે,
જાત સંકેરી ટૂંટિયું કર્યું, હવે આ ટૂંટિયાને ક્યાં ટુંપી દેવું ?
ફૂટપાથે કોરા કેમ રેવું ?

મેહુલ મકવાણા, ૧૭ જુલાઈ, નારોલ

8 comments :

  1. મેહુલ ભાઈ,
    અદભૂત રચના.મઝા પડી ગઈ.અભિનદન..... :)

    ReplyDelete
  2. i dont knw frm where actually i landed up here..but was abs worth it..superbly written.

    ReplyDelete
  3. ઓ ત્તારી... ક્યા બાત હૈ....

    ReplyDelete
  4. Thanks you all,
    Mehul

    ReplyDelete
  5. Mehul on Mehuliyo! Damn good, buddy!

    ReplyDelete
  6. આમ આભમાં દરિયા ઉછળતા હોય ત્યાં આંખોમાં પાણી કોણ દેખે ? Excellent !!

    ReplyDelete