Friday, March 21, 2014

હું કવિતાઓ લખું છુ કારણ કે

હું કવિતાઓ લખું છુ કારણ કે,
પૂછડું ઘસાતા,
અંદર ઉગી નીકળેલી સભ્યતા
મને સોંસરી ગાળ દેતા રોકે છે.
કવિતાના નામે હું મૂળે દેવા માંગું છુ ગાળ.
ક્યારેક પોતાને,
કયારેક નાલાયક નેતાને,
ક્યારેક નાત, જાત, ઢોંગ,ધરમમાં
કોહવાતી સમગ્ર સભ્યતાને.  
ફક્ત ગાળ પુરતી નથી એ જાણું છુ પરંતુ,
હું ફક્ત કવિતા જ લખી શકું છુ.

હું કવિતાઓ લખું છુ કારણ કે,
મને મન થાય છે બીજાના લોહી ઉકાળે
લાલચટ્ટક થયેલા પ્રત્યેક ગાલને
એક જોરદાર તમાચો ચોડવાનું.
કોઈને તમાચો મારવો એ ખોટું છે એ જાણું છુ પરંતુ,
હું ફક્ત કવિતા જ લખી શકું છુ.

હું કવિતાઓ લખું છુ કારણ કે,
હું સરેઆમ સીધી ગાળ દઈ શકતો નથી,
હું કોઈનો ગાલ લાલ કરી શકતો નથી,
અમથી લાકડી પણ ઉઠાવી શકતો નથી.
કવિતા પણ પુરતી નથી એ જાણું છુ હું
પણ શું કરું ? 
હું ફક્ત કવિતાઓ લખી શકી શકું છુ.
અને કવિતાઓ જ લખું છુ કેમ કે,  
ગાળ સાંભળીને કાન ખરી પડતા નથી.
થપ્પડની છાપ લાંબુ ટકતી નથી.
કોઈ ગોળીથી વિચાર મરતો નથી.
એટલે હું કવિતાઓ લખું છુ.

- મેહુલ મંગુબહેન, ૫ / ૧૨ / ૨૦૧૧ 

No comments :

Post a Comment