Sunday, March 17, 2013

સિપાહીની માનું ગીત



રણઘેલુડો થા'મા ડીચરા, રણઘેલુડો થા'મા. 

જુધ્ધ નઈ આ ખળાના ભાગનું, ખમ્મા !
જુધ્ધ નઈ આ ધણની હાકનું, ખમ્મા !
જુધ્ધ નઈ આ કુંવાસીની લાજનું, ખમ્મા !
જુધ્ધ નઈ આ વડવાની શાખનું, ખમ્મા !

આ તો રાજનો રમતો ઘોડલો, રાશ્ય એની ઝાલવા જા'મા.
રણઘેલુડો થા'મા ડીચરા, રણઘેલુડો થા'મા.

પોર'દી તારા ઘાવ ભર્યાનું કળ હજીયે મારી આંગળીએ, 
દીકરી તારી ભઈ હજુ તો માંડ ચાલતા શીખી ભાખડીયે.
સરહદયું તો કાલ ભુંહાઈ જાશે કર ઝાઝી ચીન્ત્યા'મા.
રણઘેલુડો થા'મા ડીચરા, રણઘેલુડો થા'મા.

આ ખડગ મેલી હળ હાંકેશ તોય તું મારો વીર રેવાનો,
મોભારે ચડ્યું દેવું વીરા વાણિયો હવે નઈ ધીરવાનો,
આ એકની હાટુ રાંક રેયતનું લોહી ખેડવા જા'મા.
રણઘેલુડો થા'મા ડીચરા, રણઘેલુડો થા'મા.

જુધ્ધમાં જેનું માથું વાઢીશ એ ય કોકનો વીર હશે ભઈ,
એની માવડીના યે મારી જેમ ફાટેલા ચીર હશે ભઈ,
તું આવે જીતી જુધ્ધ તોયે થાશે હરખ નઈ પોંખવા'મા.

રણઘેલુડો થા'મા ડીચરા, રણઘેલુડો થા'મા.
 

- મેહુલ મકવાણા, 25 ફેબ્રુઆરી, 2013 

2 comments :

  1. આ માની વ્યથા છે. બિનસરહદી કે જેમાં કોઈ દુન્યવી સમજણથી મન મનાવી લેવાય એમ નથી. એક માનો દીકરો બીજી માના દીકરાને મરાવે છે એ વાત નકારી શકાય એમ નથી. ખરેજ આ કથા નથી, પણ વ્યથા છે.

    ReplyDelete
    Replies
    1. સરાહના બદલ આપનો આભારી છું કલ્પના પાઠક.

      Delete