Sunday, October 23, 2011

અટક ( સુધારા સહીત )

(સર્જક જયારે ઉત્સાહમાં સરી જાય કે પછી લય-પ્રાસના રવાડે ચડી ભાવનું ભાન ભૂલે ત્યારે ઘણીવાર સારું સર્જન થતાં થતાં રહી જતું હોય છે. એમાય તમે જો દલિત કે જનવાદી પરંપરાના નવોદિત સર્જક હો તો રાજકીય કે સેદ્ધાંતિક સમજણ દોષ ઉભો થવાનો ભય પણ ખરો. જાણીતા દલિત કવિ ડો.નીરવ પટેલના પ્રતિભાવ બાદ મારી આ કવિતામાં સુધારો શક્ય બન્યો છે . એ પહેલા કરતા વધુ બહેતર બની એવું લાગે છે એટલે એને નવી પોસ્ટ તરીકે જ મુકું છું. જૂની કવિતા અને પ્રતિભાવો એમના એમ રાખ્યા છે.)


અટક ( સુધારા સહીત )


કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?

બળતે બપ્પોર જાણે ચપ્પલ વગર ચાલ્યા હોવ પાંચ-પચી ગઉ.


મીઠું મલકીને અમથી બીડી ફૂંકી હો એમ હળવેકથી કરે અટકચાળો,

પછી ભડકે બળે ભીતર એવું કશુક કે હું મેળવી શકું ના ફરી તાળો,

છું કાચો ગણિતમાં પહેલેથી હું, આ દાખલો એને કેમ ગણી દઉં ?


કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?

જેના ધુમાડે જાય સુરજ આખો ઢંકાઈ એવો અંતરમાં લાગ્યો હો દવ


કોઈ કોઈ તો વળી તરત ઉમેરે કે આપણે એવું કંઈ રાખતા નથી ભઈ ,

પણ થોથવાતી જીભને એ ના સમજાય કે તો શેની માંડી છે આ પૈડ ?

કચ્ચીને દાઝ મને એવી ચડે કે જાત એની અબઘડી ખંખેરી લઉં.


કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?

જાણે સ્થગિત થઇ ગઈ હો પૃથ્વી ને માથે ખાબક્યા હો ગ્રહ નવેનવ.


ગામને શેરમાં, મેળે કે મોલમાં નાતજાત પૂછવાનો ચાલે એવો ક્રમ,

થાક્યા બેઉ માત્મા ને ભીમજી થાક્યો તોય આપણો ભાંગ્યો ના ભ્રમ

એને આટલું જો કહીએ ને તો સુધરી જાય ગમાણના ડોબાંયે સહુ,


કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?


-મેહુલ મકવાણા, અમદાવાદ, ૧૭ ઓક્ટોબર 2011


No comments :

Post a Comment